બેફામ કારચાલકે પાથરણાવાળાઓ પર ચડાવી કાર, એકનું મોત, 5 ગંભીર ઇજાગ્રસ્ત
કલોલમાં એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના બની, જેમાં બેફામ કારચાલકે એક એક્ટિવાને જોરદાર ટક્કર મારી અને ત્યારબાદ પાથરણાવાળાઓ પર કાર ચઢાવી દીધી. આ અકસ્માતમાં 40 વર્ષીય જશીબેન દશરથભાઈ પટ્ટણીનું મોત નીપજ્યું છે, જ્યારે પાંચ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે.
મળતી માહિતી મુજબ, દિવાની ફોજદારી કોર્ટ નજીક પૂર ઝડપે હંકારાતી કારે પહેલા એક્ટિવાને અડફેટે લીધી અને ત્યારબાદ પાથરણાવાળાઓ પર કાર ચઢાવતા કોર્ટની દીવાલ સાથે અથડાઈ. કારમાં આવી ઘટનાએ અફરાતફરી મચાવી દીધી. ઈજાગ્રસ્તોને તરત જ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં બેની હાલત વધુ ગંભીર હોવાનું જણાવાયું છે.કલોલ ખાતે રહેતા જશીબેન દશરથભાઈ પટ્ટણી (ઉંમર 40)નું મોત નીપજ્યું છે તેમજ રાવળ ગીતાબેન રમેશભાઈ (રહે કલોલ), રાવળ પાયલબેન રમેશભાઈ (રહે.કલોલ), પટ્ટણી કંકુબેન સુનિલભાઈ (રહે.કલોલ), દશરથભાઈ પટ્ટણી (રહે.કલોલ), દિલીપભાઈ રાવળ (રહે.લાંઘણજ)ની હાલત ગંભીર છે.
સફેદ કલરની કાર સાંજે 6 વાગ્યે બેફામ ઝડપે ચાલક દ્વારા હંકારવામાં આવી હતી, જે દરમિયાન કલોલ શહેરની દિવાની ફોજદારી કોર્ટ પાસે શાકભાજીનો ધંધો કરતા પાથરણાવાળાઓ પર ચઢી ગઈ. આ દુર્ઘટનામાં એક મહિલાનું સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું, જ્યારે પાંચ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલોમાંથી બેની હાલત વધુ ગંભીર હોવાથી તેઓને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.અકસ્માત બાદ પરિવારજનો અને લોકોએ હોસ્પિટલ આગળ ભારે હોબાળો કર્યો. ધારાસભ્ય અને સ્થાનિક લોકો ટોળે ટોળા ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી રહી છે.આ ઘટનાએ શહેરમાં ભયનું વાતાવરણ ફેલાવ્યું છે અને હીટ એન્ડ રનની આ ઘટના સામે સ્થાનિકોએ આક્રોશ વ્યકત કર્યો છે.
