અમદાવાદમાં કાયદાની સ્થિતિ કથળતાં 21223 વાહનનું ચેકિંગ, 200 શસ્ત્ર સાથે પકડાયા
અમદાવાદમાં શહેર પોલીસે શહેરભરમાં સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી કોમ્બિંગ કર્યું હતું. ઠેર ઠેર ગોઠવાયેલી નાકાબંધીમાં પોલીસે 21223 વાહન ચેક કર્યા હતા. જેમાંથી 1750 વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા. જ્યારે 1685 વાહનચાલકો પાસેથી રૂ.12.82 લાખ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. કોમ્બિંગ દરમિયાન પોલીસે દારૂ પીને ફરી રહેલા 470 લોકોની ધરપકડ કરી હતી. તે તમામને પોલીસના ડબામાં ભરીને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યારે તલવાર, ધારિયા, ગુપ્તી, ચપ્પા, છરાં જેવા હથિયારો સાથે 200 લોકોને ઝડપી લીધા હતા. છેલ્લા 5 દિવસથી કોમ્બિંગના બહાને ચાલી રહેલા ચેકિંગથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા હોવાની ફરિયાદો ઉઠી છે.

