નરોડામા ગટરલાઈન નાખતા ભેખડ ધસી પડતા એકનું મોત

નરોડામાં હંસપુરા તળાવખાતે ગટર લાઈન ખોદવાનુ કામ ચાલી રહ્યુ છે. જેમાં કામ કરતા કારીગરો પાઈપ નાંખતા હતા ત્યારે ગટરમાં જેસીબી મશીનથી પાઈપ નાંખ્યા બાદ પટ્ટો ખોલવા જતા માટી તથા પથ્થરો પડતા બે કારીગરો અંદર દટાઈ ગયા હતા.બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં એક કારીગરનું મોત નિપજયુ હતુ. આ અંગે નરોડા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
બનાવની મળતી માહિતી અનુસાર નરોડા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી નરોડા હંસપુરા તળાવખાતે ગટર લાઈન ખોદવાનુ કામ ચાલી રહ્યુ છે. દરમિયાન ગત તા 24 મીએ સાંજના 4 વાગે જયેશકુમાર સબુરભાઈ વળવી( ઉ.22 રહે. કૃષ્ણનગર મ્યુનિસિપલ ગ્રાઉન્ડ મુળ રહે. ગામ ચીલાકોટા વાડા ફળીયુ. તા લીમખેડા. જિ્. દાહોદ) અને તેમની સાથે કામ કરતા કિરણ વળવી ખોદેલી ગટરમાં પાઈપ નાંખવાની કામગીરીમાં હતા. આ સમયે બંને પાઈપ નાંખવા માટે ગટરમાં ઉતર્યા હતા અને જેસીબી મશીનથી પાઈપ પટ્ટાથી બાંધીને અંદર ઉતારવાનુ કામ કરતા હતા. ત્યારે જયેશકુમાર વળવી ગટર લાઈનની પાઈપને બાંધેલો પટ્ટો ખોલવા ગયા ત્યારે માટી તથા પથ્થરો પડતા જયેશકુમાર અને કિરણ વળવી બંને કાટમાળમાં દટાઈ ગયા હતા. બંનેને બહાર કાઢીને સારવાર માટે નરોડાની પ્રાઈમ હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના ડોકટરે જયેશકુમાર વળવીને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ અંગે નરોડા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

Social