દાણીલીમડામાં શેરમાર્કેટમાં રોકાણની લાલચ આપી રૂ. 2.59 લાખની ઠગાઈ

દાણીલીમડામાં રહેતા વેપારીને સોશિયલ મીડિયામાં શેરબજારમાં રોકાણ કરવાથી સારુ એવુ વળતર આપવાની લાલચ આપીને સાયબર ગઠીયાએ શરૂઆતમાં રોકાણ કરાવીને નફો બતાવ્યો હતો.. ત્યારબાદ વધુ રોકાણ કરાવીને ઓનલાઈન મોટીરકમ મળશે તેવુ આભાસી ચિત્ર ઊભુ કર્યા બાદ કુલ રૂ.2.59 લાખ પડાવી લીધા હતા.
દાણીલીમડામાં રહેતા અબ્દુલ રહીમ શેખ સ્ટીમપ્રેસનો વ્યવ્સાય કરીને પરિવારનુ ગુજરાન ચલાવે છે. ગત 14 ઓકટોબરે ફેસબુક પર આવતી જાહેરાતની લિંક પર ફોર્મ ભરતા તેમને એક વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવ્યા હતા. જે ગ્રુપમાં શેર માર્કેટમાં ઈન્વેસ્ટ કરવાથી મોટી રકમનો નફો થવાની વાતો કરવામાં આવી હતી. દરમિયાન તેમના પર અનાયા સ્મિથ નામની મહિલાનો ફોન આવ્યો હતો જેણે શેરમાર્કેટમાં રોકાણ કરવાથી 20 થી 30 ટકા પ્રોફીટ થશે તેવી લોભામણી લાલચ આપી હતી. જેના પગલે અબ્દુલ રહીમભાઈને ડીમેટ એકાઉન્ટ ખોલાવવાનુ કહ્યુ હતુ. શેરમાર્કેટમાં નફો મળવાની લાલચે તેમણે એકાઉન્ટ ખોલાવ્યા બાદ તેમને એક લીંક મોકલી હતી જેના આધારે આઈડી બનાવાયુ હતુ. ત્યારબાદ તેમને એક બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા મોકલવાનુ કહેતા તેમણે રૂ. 49990 ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ બીજા રૂ. 80 હજાર ગુગલ પેથી ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ તેમને શેરમાર્કેટમાં પ્રોફીટ થયો હોવાનુ બતાવાયુ હતુ. ત્યારબાદ તેમણે એપ્લીકેશનમાંથી રકમ રૂપિયા ઉપાડવા જતા ગઠિયાઓએ બ્રોકરેજ અને વાર્ષિક ફી પેટે રૂપિયાની માંગણી કરતા ઠગાઇ થઇ હોવાની જાણ થઇ હતી. આ અંગે અબ્દુલ રહીમે દાણીલીમડા પોલીસમાં અજાણ્યા ગઠિયાઓ સામે ફરિયાદ નોધાવી છે.

Social