અમદાવાદ એસ ટી સ્ટેન્ડ પાસે મહારાષ્ટ્રના ડોક્ટરનો એક લાખનો ફોન લૂંટી બાઈકરો ફરાર થયા
મહારાષ્ટ્રથી અમદાવાદ આવેલા ડોકટર મોડીરાતે ગીતામંદિર બસ સ્ટેન્ડ પર આવીને તેમના મિત્રના ઘરે જવા માટે મોબાઈલ ફોનમાં લોકેશન ચેક કરતા હતા. આ સમયે એક ટુ વ્હીલર પર આવેલા બે અજાણ્યા યુવકો તેમનો રૂ.એક લાખની કિંમતનો મોબાઈલ ફોન લુંટીને પળવારમાં ફરાર થઈ ગયા હતા. આ અંગે ડોકટરે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
બનાવની વિગત એવી છે કે મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના કલમનુરીમાં દિર્ધાયુ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટર સંતોષ દેવરાય કલ્યાણકર(ઉ.51) તા 29 મીના રોજ રાતના આશરે પોણા એક વાગ્યાના સુમારે ગીતામંદિર આવ્યા હતા. તેમને શેલાખાતે રહેતા તેમના એક મિત્રને ત્યાં જવાનુ હતુ.
દરમિયાન ડોકટર સંતોષ રોડ પર ઉભા રહીને તેમના ફોનમાં શેલામાં રહેતા મિત્રના ઘરનુ લોકેશન ચેક કરી રહ્યા હતા. આ સમયે એક ટુ વ્હીલર પર બે અજાણ્યા ઈસમો તેમના હાથમાંથી એપલ કંપનીનો રૂ. એક લાખની કિંમતનો ફોન લુંટીને પળવારમાં ફરાર થઈ ગયા હતા.
