તથ્ય પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ કરી જામીન અરજી, આગામી સમયમાં થશે સુનાવણી
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોંઘીદાટ જેગુઆર ગાડી વડે 9 લોકોને કચડીને મોતના મુખમાં ધકેલી દેનાર કાર ચાલક તથ્ય પટેલ સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વેહિકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ગુનો નોંધીને 1684 પાનાની ચાર્જશીટ રજુ કરી હતી. જે વાતને એક વર્ષ કરતા વધુ સમય વીતી ચૂક્યો છે, તથ્ય પટેલ જેલમાં છે. તથ્ય પટેલે હવે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી છે. જેની ઉપર આગામી સમયમાં સુનાવણી થશે.
ઉલ્લેખનીય છે કે, તથ્ય પટેલે અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમા રેગ્યુલર જામીન અરજી કરી હતું. જેને નકારી દેવાતા જામીન અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. હાઇકોર્ટમાં કરેલી જામીન અરજીમાં હાઇકોર્ટે અરજી નકારી દેવાનું વલણ ધરાવતા, તથ્યએ જામીન અરજી પરત ખેંચી હતી. જોકે, હાઈકોર્ટે તેના ઓર્ડરમાં ઉલ્લેખ કર્યો હતો કે તે 6 મહિના બાદ તે પરત જામીન અરજી કરી શકશે. આથી તેના વકીલોએ સીધી હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી.
જોકે, હાઇકોર્ટે જણાવ્યું હતું કે, તેને ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી કરવી જોઈએ. આથી જામીન અરજી પરત ખેંચીને હવે ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી છે. વળી તથ્ય પટેલના દ્વારા હાઇકોર્ટમાં એવી રજૂઆત કરાઈ હતી કે એક વર્ષથી વધુ સમયગાળો વીતી ચુક્યો હોવા છતાં ટ્રાયલ કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ શકી નથી. જ્યારે હકીકત એવી છે કે, તથ્ય પટેલે તેની સામે લગાવેલી કલમોમાંથી અમુક કલમો દૂર કરવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેને નકારી દેવાતા તેને હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી હજી સુધી પેન્ડિંગ છે. વિવિધ કારણોસર આ અરજી ન ચાલતા, તેના વકીલ દ્વારા સતત ચાર્જફ્રેમ ન થાય તેવી રાહત માંગવામાં આવે છે. જેને લઈને હજી સુધી ટ્રાયલ કોર્ટમાં આગળની કાર્યવાહી ચાલી શકી નથી.
