સાણંદ શહેરમાં બે સ્થળે પાર્ક કરેલી 2 CNG રિક્ષા ચોરાઇ
સાણંદ શહેરમાં ઋષિ કોલોની સોસાયટી અને નળ સરોવર બાયપાસ આંબાવાડી ચોકડી ખાતેથી અલગ અલગ દિવસોમાં 2 સીએનજી રિક્ષાની ચોરી થઈ છે, રિક્ષા ચોરી અંગે સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. સગમ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સાણંદના નળ સરોવર ત્રણ રસ્તા પાસે આવેલ ઋષિ કોલોની સોસાયટી ખાતે રહેતા મનિષ કાળીદાસ ચૌહાણ સીએનજી. રીક્ષા સરખેજ-સાણંદના રૂટ પર ભાડેથી ચલાવે છે.
ગત તા.23 નવેમ્બરે તેઓ રાત્રિના આશરે દસ વાગ્યાના તેઓના ઘર આગળ રિક્ષા પાર્ક કરેલી હતી. અને બીજા દિવસે સવારના આશરે સાડા આઠેક વાગ્યાના સુમારે રીક્ષા ભાડે ચલાવવા માટે ઘરની બહાર નિકળતાં પાર્ક કરેલી જગ્યાએ રિક્ષા હતી નહીં જેથી તેઓએ તપાસ કરતાં રૂ.35 હજારની કિંમતની સીએનજી રિક્ષા કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી ફરાર થઈ જતાં સમગ્ર બનાવ અંગે સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બીજી તરફ સાણંદના હાઉસીંગ બોર્ડની પાછળ રહેતા જયંતીભાઇ સોમાભાઈ ગુજરાત હાઉસિંગ રિક્ષા ભાડે ફેરવે છે, ગત તા.28 નવેમ્બરે બપોરના આશરે અઢી વાગ્યાના સુમારે સાણંદ-નળ સરોવર રોડ ખાતેથી કોઈ અજાણ્યા ઇસમે તેની પત્નીને ડીલીવરી છે તેમ કહીને લેખંબા ગામ જવા માટે પ્રાઇવેટ રીક્ષા ભાડે કરેલી અને લેખંબા થઇ સાણંદ પરત આવવા નિકળેલા તે દરમ્યાન સાણંદ નવા બાયપાસ રોડ પાસે આશરે બપોરના બે વાગ્યાના સુમારે રિક્ષાચાલક જયંતિભાઈ રીક્ષા ઉભી રાખી નાસ્તો કરતાં હતા તે સમયે કોઇ અજાણ્યો ઇસમ રૂ.1.50 લાખની કિંમતની રિક્ષા ચોરી કરી ફરાર થયો હતો. સમગ્ર મામલે જયંતીભાઇએ સાણંદ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
