ભત્રીજાએ ભાગીને લગ્ન કરી લેતા યુવતીના ભાઈએ મિત્રો સાથે આવીને તોડફોડ કરી
નારણપુરામાં રહેતા વૃદ્ધના ભત્રીજાએ સમાજની યુવતી સાથે કોર્ટ મેરેજ કરીને ભગાડી હતી, જેને લઇને યુવતીના ભાઈ અને તેના સાગરીતોએ મળીને વૃદ્ધ સાથે સમાધાન દરમિયાન તેમના ઘરના દરવાજા અને ઘરની બહાર પડેલા ટુ-વ્હીલરમાં લાકડીઓ વડે તોડફોડ કરી હતી. જતા-જતા યુવતીના ભાઈએ ધમકી આપી હતી કે, યુવતીને નહિ સોંપે તો જાનથી મારી નાખશે. આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નારણપુરામાં રહેતા ધરમશી દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના ભત્રીજા મીતે સમાજની એક યુવતી સાથે 21 નવેમ્બરે કોર્ટ મેરેજ કર્યા હતા.લગ્ન બાદ મિત યુવતી સાથે ભાગી ગયો છે.આ બાબતે સમાધાન થયું નહોતું જેથી, યુવતીના પિતાએ ધરમશીભાઈને મેરેજ કેન્સલ કરવાનું કહીને યુવતીને પરત સોંપવાનું કહ્યું હતું. 2 ડિસેમ્બરે રાતે ધરમશીભાઈ પોતાના ઘરે હાજર હતા ત્યારે યુવતીનો ભાઈ મયુર 5-8 વ્યક્તિઓને લઈને લાકડીઓ સાથે આવ્યો હતો. જેથી, ધરમશીભાઈએ અને પરિવારના સભ્યોએ લોખંડની જાળી બંધ કરી દીધી હતી. મયુર અને અન્ય વ્યક્તિઓએ ઘરની બહાર આવીને કહ્યું હતું કે, યુવતીને પરત સોંપી દેજો નહિ તો પરિવારને જાનથી મારી નાખીશું. ઘરના દરવાજા પર લાકડીઓથી મારવા લાગ્યા હતા. ઘરની બહાર પડેલા વાહનોમાં પણ તોડફોડ કરી હતી. આ ઉપરાંત જતા-જતા પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ધરમશીભાઈએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
