PM મોદીએ BAPSની સેવાઓને બિરદાવી

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સંસ્થા દ્વારા કાર્યકર સુવર્ણ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહંત સ્વામી દેશ-વિદેશમાં અસાધારણ સેવાકીય પ્રવૃતિ કરનારા BAPSના એક લાખ કાર્યકરોનું સમ્માન કરવાના છે. આજના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી માધ્યમથી જોડાયેલા વડાપ્રધાન મોદીએ BAPSની સેવાઓને બિરદાવી હતી.

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, મારું સૌભાગ્ય છે કે મને BAPSના સેવા કાર્યોને નજીકથી નિહાળવાનો અવસર મળ્યો છે. ભૂજમાં ભૂકંપની તબાડી પછીની સ્થિતિ હોય, નરનારાયણ નગરના પુનઃનિર્માણની વાત હોય, કેરળમાં વિનાશક પૂર, ઉત્તરાખંડમાં ભૂસ્ખલન તેમજ કોરોના મહામારી સમયે BAPSના કાર્યકરો પરિવારભાવથી પડખે ઉભા રહ્યા. BAPSના કાર્યકરોએ કરુણા ભાવે સૌની સેવા કરી હતી. સૌ કોઈએ જોયું કે, કોરોના કાળમાં કેવી રીતે BAPS મંદિરો સેવા કેન્દ્રોમાં ફેરવાઈ ગયા હતા.

વધુમાં PM મોદીએ જણાવ્યું કે, રશિયા-યૂક્રેન વચ્ચેનું યુદ્ધ વકર્યું, ત્યારે ભારત સરકારે નક્કી કર્યું હતું કે, યુદ્ધ વચ્ચે ફસાયેલા ભારતીય નાગરિકોને વહેલી તકે સુરક્ષિત બહાર નીકાળવામાં આવે. આ સમયે મોટી સંખ્યામાં ભારતીયો પોલેન્ડ પહોંચી ગયા હતા. જ્યાં ભારતીયોને કેવી રીતે વધુમાં વધુ મદદ પહોંચાડી શકાય, તે સૌથી મોટો પડકાર હતો.

આ સમયે મેં મોડી રાતે બારેક વાગ્યાની આસપાસ BAPSના એક સંત સાથે વાત કરી હતી. મેં તેમને આગ્રહ કર્યો હતો કે, મોટી સંખ્યામાં ભારતીયો પોલેન્ડ પહોંચી રહ્યા છે, જેમની મદદ માટે મારે આપના સહકારની જરૂર છે. જે બાદ તેમણે સમગ્ર યુરોપમાંથી રાતોરાત BAPSના કાર્યકરોને એકજૂટ કરી દીધા અને યુદ્ધના વાતાવરણ વચ્ચે પોલેન્ડ પહોંચેલા ભારતીયોની મોટી મદદ કરી.માનવતાના હિતમાં BAPSનું આ યોગદાન પ્રસંશનીય છે. આથી હું આજે કાર્યકર સુવર્ણ મહોત્સવમાં આપ સૌનો આભાર વ્યક્ત કરુમં છું. આજે BAPSના કાર્યકરો સેવાના માધ્યમથી દુનિયાભરમાં કરોડો લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યા છે. તેઓ પોતાની સેવા થકી કરોડો લોકોની આત્માને સ્પર્ષ કરી રહ્યા છે.

BAPSના કાર્ય સમગ્ર વિશ્વમાં ભારતના સામર્થ્ય, ભારતના પ્રભાવને તાકાત આપે છે. આજે વિશ્વના 28 દેશોમાં ભગવાન સ્વામિનારાયણના 1800 મંદિર, દુનિયાભરમાં 21 હજારથી વધુ આધ્યાત્મિક કેન્દ્ર અને સેવાના અલગ-અલગ પ્રકલ્પોનું કામ દુનિયા જુએ છે, તો તેમાં ભારતના આધ્યાત્મિક વારસાના દર્શન કરે છે. આ મંદિરો ભારતીય સંસ્કૃતિના પ્રતિબિંબ છે. તે વિશ્વની સૌથી પ્રાચીન જીવંત સંસ્કૃતિના કેન્દ્ર છે. જ્યારે કોઈ વ્યક્તિ તેની સાથે સંકળાય, ત્યારે તે ભારત પ્રત્યે આકર્ષિત થયા વિના નથી રહેતા.

થોડા સમય પહેલા જ અબુધાબીમાં ભગવાન સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠા થઈ, જે કાર્યક્રમાં હું પણ સામેલ થયો હતો. જેની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. દુનિયાએ ભારતની આધ્યાત્મિક વિરાસતના દર્શન કર્યા. દુનિયાના લોકોએ ભારતની સાંસ્કૃતિક વિવિધતા જોઈ. આ માટે હું તમામ કાર્યકરોને શુભેચ્છા પાઠવું છું.

Social