થલતેજના ગુરુદ્વારા પાસે રોંગ સાઇડ આવેલું બાઇક અન્ય બાઇક સાથે અથડાયું, 1નું મોત

થલતેજ ગુરુદ્વારા પાસે 4 ડિસેમ્બરે બપોરે 1 વાગ્યે રોંગસાઇડે આવેલા બાઇકચાલકે સામેથી આવતા બાઇકને ટક્કર મારતા બંને બાઇકચાલકો તથા પાછળ બેઠેલા લોકો નીચે પટકાયા હતા, જેમાં રોંગસાઇડે આવેલા બાઇકચાલક રાજેશ ચૌધરીની પાછળ બેઠેલા તેના પિતા રમેશ ચૌધરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
આ અંગે 24 વર્ષીય પુષ્પેન્દ્રસિંહ ચૌહાણે રાજેશ ચૌધરી સામે એસજી હાઈવે ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. માણેકબાગમાં રહેતા પુષ્પેન્દ્રસિંહે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ શ્યામલ કોફી સ્ટોરીમાં કેશિયર છે. તેઓ 4 ડિસેમ્બરે બાઇક પર મિત્ર જિતેન્દ્રસિંહ પવારને પાછળ બેસાડી ગુરુદ્વારા પાસેથી જતા હતા ત્યારે રોંગસાઇડે આવેલા બાઇકચાલક રાજેશ ચૌધરીએ ટક્કર મારતા પુષ્પેન્દ્રસિંહ અને જિતેન્દ્રસિંહ નીચે પટકાતા બંનેને મોં-શરીરના ભાગે ઇજા થઇ હતી. જ્યારે રાજેશ ચૌધરી અને તેના પિતા રમેશ ચૌધરી પણ નીચે પટકાયા હતા. આથી તેમને 108માં સિવિલ લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન રમેશભાઈનું મૃત્યુ થયું હતું.

Social