અમદાવાદમાં જમીન કેસમાં 50 લાખ લાંચ માગતો સરકારી વકીલ પકડાયો
જમીનના કેસમાં તરફેણમાં હુકમ કરાવવા બદલ કઠલાલ સિવિલ કોર્ટના સરકારી વકીલ રાજેન્દ્ર ગઢવી રૂ.20 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. ખેડૂતે કઠલાલમાં બાનાખતથી ખરીદેલી કરોડો રૂપિયાની જમીનનો વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો હતો, જેમાં જમીન ખરીદનારની તરફેણમાં હુકમ કરવા માટે પૈસા માગ્યા હતા. એસીબીની ટીમે છટકું ગોઠવી રાજેન્દ્ર તેમ જ અન્ય એક વકીલ સહિત 2 વચેટિયાને ઝડપી લીધા હતા.
એક ખેડૂતે કઠલાલ તાલુકાના મીરઝાપુર ગામમાં કરોડોની જમીન બાનાખતથી ખરીદી હતી. આ બાબતે બંને પક્ષે 2019માં કઠલાલ સિવિલ કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસમાં જમીન ખરીદનાર ખેડૂતની તરફેણમાં ઓર્ડર કરવા માટે સરકારી વકીલ રાજેન્દ્ર ગઢવીએ (ઘાટલોડિયા)એ 50 લાખની માગણી કરી હતી, પરંતુ ખેડૂત સરકારી વકીલને પૈસા આપવા માગતા ન હતા. આથી તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી, જેના આધારે એસીબીએ છટકું ગોઠવ્યંુ હતું, જેના ભાગરૂપે ખેડૂત પૈસા આપવા તૈયાર થયા હોવાની વાત રાજેન્દ્રભાઈને કરી હતી. આથી તેમણે રૂ.50 લાખ પૈકી 20 લાખ લઈને મંગળવારે ખેડૂતને નરોડા મામલતદાર કચેરી સામે આવેલી જે. કે. ઝેરોક્ષ નામની દુકાને બોલાવ્યા હતા.
આ અંગે ખેડૂતે એસીબીના અધિકારીઓને જાણ કરી હતી, જેના આધારે પીઆઈ એસ. એન. બારોટે ટીમ સાથે છટકંુ ગોઠવ્યું હતું. દરમિયાન ખેડૂત પૈસા લઈને દુકાને પહોંચી ગયા હતા. ત્યાંથી તેમણે રાજેન્દ્ર ગઢવીને ફોન કરતા તેમણે આ પૈસા ત્યાં હાજર મેટ્રો કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ સુરેશ પટેલ અને વચેટિયા વિશાલ પટેલને આપી દેવા કહ્યું હતું, જેથી ખેડૂતે પૈસા આ બંનેને આપી દીધા હતા. જોકે આ દરમિયાન એસીબીની ટીમે બંનેને રંગે હાથે ઝડપી લીધા હતા. જ્યારે બીજી એક ટીમે 500 મીટર નજીકથી જ રાજેન્દ્રભાઈને ઝડપી લીધા હતા.
