ગાંધીનગર જિલ્લામાં ભૂસ્તર તંત્રનો સપાટો અઠવાડિયામાં 103 કેસો કરી 79 લાખની વસૂલાત કરી

ગાંધીનગર કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ ગાંધીનગર જિલ્લાના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની ટીમ તેમજ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા જિલ્લામાં છેલ્લા અઠવાડિયામાં વાહન ચેકિંગની સઘન કામગીરી કરી સાદી રેતી – માટી ખનિજના બિનઅધિકૃત વહન કરતાં 10 વાહનો જપ્ત કરી રૂ. 2.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે.
ગાંધીનગર જિલ્લામાં ખનિજ માફિયાઓ સામે ખાણ ખનિજ તંત્રની ટીમ દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરાઈ છે. છેલ્લા એક અઠવાડિયામાં ભૂસ્તર તંત્ર દ્વારા વાહન ચેકીંગની સઘન કામગીરી કરી સાદી રેતી – માટી ખનિજના બિનઅધિકૃત વહન કરતાં 10 વાહનો જપ્ત કરી અઢી કરોડ જેટલો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે. જેમાં 6 વાહનો અને ઓવરલોડ ખનિજના વહન કરતાં 4 વાહનો એમ કુલ 10 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.
આ વાહનો પૈકી ભાટથી સાદી માટીનો ઓવરલોડ જથ્થો ભરેલ ડમ્પર તેમજ કલોલ તાલુકાના હાજીપુર ગામ ખાતેથી સાદી રેતીનું રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત વહન કરતાં ડમ્પરને ઝડપી લેવાયું હતું. એજ રીતે વાવોલ, દોલારાણા વાસણા, પેથાપુર, મોટા ચિલોડા, ઉનાવા, પિપળજથી પણ ટ્રેક્ટર – ડમ્પર મળીને અન્ય આઠ વાહનો પકડી પાડી કુલ રૂ. 2.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે.
આ જપ્ત કરેલ વાહનોના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-2017 ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
ઉપરાંત ઓક્ટોબર-2024થી આજ દિન સુધી ખનિજના બિનઅધિકૃત ખનન/વહન/સંગ્રહના કુલ 103 કેસો કરી 79.3 લાખની વસૂલાત કરવામાં આવી છે. તેમજ ચાલુ વર્ષ 2024-25 દરમ્યાન ખનિજના બિનઅધિકૃત ખનન/વહન/સંગ્રહના કુલ 219 કેસો કરી 217.67 લાખની વસૂલાત કરવામાં આવી છે. તેમજ 1599.32 લાખની દંડકીય રકમની ખનિજના બિનઅધિકૃત ખનન સબબની કુલ બે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Social