શેરબજારમાં રોકાણના નામે વેપારી સાથે રૂ.3.21 લાખની છેતરપિંડી
શેર માર્કેટમાં રોકાણથી નફાની લાલ આપીને ઠગાઈના કિસ્સાઓ વધી રહ્યા છે. નારોલમાં શેરબજારના નામે છેતરપિંડી બાદ હવે ઈસનપુર વિસ્તારમાં એક વેપારીને સાયબર ગઠિયાએ શેર માર્કેટમાં રોકાણનું કહીને એક મહિનામાં રૂ.6 લાખનું રોકાણ કરાવીને રૂ.3.21 લાખની ઠગાઈ આચરી હતી. એટલે વેપારીએ ઈસનપુર પોલીસમાં 3 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
ઈસનપુરના ભાડુઆત નગરમાં રહેતા શૈલેષભાઈ જૈન સાયકલની દુકાન ધરાવીને વેપાર ધંધો કરે છે. ગત 16 સપ્ટેમ્બરના બપોરે શૈલેષભાઈ તેમના ફેસબુકમાં શેર બજારમાં રોકાણ કરવાની જાહેરાત જોઇને લિંક પર ક્લિક કરી હતી. ત્યારબાદ અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં શૈલેષ ભાઈને એડ કર્યા હતા. તેમજ IBKR-PRO નામની એપ્લીકેશન મોબાઈલમાં ઇન્સ્ટોલ કરાવી હતી અને તેમાં રૂપિયા ડીપોઝીટ કરવા જણાવ્યુ હતું. વેપારીએ જુદા-જુદા એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યારબાદ વેપારીએ રોકેલી રકમ એપ્લીકેશનમાં બમણા વ્યાજ સાથે બતાવતા વેપારીએ સપ્ટેમ્બરથી નવેમ્બર મહિના સુધીમાં કુલ રૂ.6 લાખનું રોકાણ કર્યું હતુ. ત્યારબાદ રોકાણની રકમ પોતાના એકાઉન્ટ મેળવવા એપ્લીકેશનમાં પ્રોસેસ કરતા એકાઉન્ટ બ્લોક થઇ ગયું હતું. જેથી વેપારીએ વોટ્સએપ ગ્રુપમાં એડમીનને ફોન કરીને પૂછતા આરોપીએ રૂ.5 લાખની માંગણી કરી હતી. પરંતુ વેપારીએ ઇનકાર કરતાં તેમના રૂ.3.21 લાખ સાયબર ગઠીયાઓએ ચાઉં કરી લીધા હતા.
