ગાંધીનગરના ચન્દ્રાલા ગામે દૂષિત પાણીથી રોગચાળો વકર્યો
ગાંધીનગરમાં છેલ્લા ત્રણ ચાર મહિનાથી દૂષિત પાણીની પાણીજન્ય રોગચાળો વકર્યો હોવાનું સામે આવ્યું છે. દૂષિત પાણીના કારણે 25 થી વધુ દર્દીઓ શંકાસ્પદ કમળાની ઝપેટમાં આવી ગયા હતા. જે પૈકી છ દર્દીઓની તબિયત વધુ લથડતા તેમને ચન્દ્રાલા નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ચાર દર્દીઓને સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી.
ગાંધીનગરના ચન્દ્રાલા ગામમાં દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે 25 થી વધુ દર્દીઓને શંકાસ્પદ કમળાની ઝપેટમાં આવી ગયા હતા. છેલ્લા ત્રણ ચાર મહિનાથી ગ્રામજનોમાં દૂષિત પાણીની ફરીયાદો ઉઠી હતી. એવામાં દૂષિત પાણીના કારણે એક પછી એક 25 થી વધુ દર્દીઓમાં શંકાસ્પદ કમળાના રોગની ઝપેટમાં આવી ગયા હતા.
જેનાં પગલે શંકાસ્પદ દર્દીઓને ચન્દ્રાલા નજીકનાં આરોગ્ય કેન્દ્ર – સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. શંકાસ્પદ પાણીજન્ય રોગચાળો વકરતા ગ્રામજનોમાં પણ આરોગ્ય તંત્રની બેદરકારી સામે રોષ વ્યાપી ગયો છે. શંકાસ્પદ કમળાનાં છ દર્દીઓની તબિયત વધુ લથડતા તેમને ચન્દ્રાલા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જે પૈકી ચાર દર્દીઓને જરૂરી સારવાર આપીને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યા હતા. જ્યારે બે દર્દીઓને દાખલ કરી સઘન સારવાર આપવામાં આવી રહી છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી એ જે વૈષ્ણવે જણાવ્યું કે, ટીમને તપાસ અર્થે મોકલી છે. જેનો રિપૉર્ટ આવ્યા પછી વિગતો આપી શકીશ.
