ખોડા ગામ પાસે ખાનગી કંપની સામેથી બે બાઇકની તસ્કરી
સાણંદના ખોડા ગામના પાટિયા પાસે એક કંપની બહાર પાર્ક બાઇકની રાત્રે સમયે કોઈ ચોરે રૂ.50 હજારના બાઇકની ચોરી કરી ફરાર થઈ જતાં સમગ્ર ઘટના અંગે સાણંદ જીઆઈડીસી પોલીસે ગુનો નોંધયો છે.
સાણંદના ખોડા ગામના પાટિયે આવેલી ચેતક લોજીસ્ટિક કંપનીની રૂમમાં રહેતા અને મૂળ યુ.પીના અમનસિંઘ અશોકસિંધ ઠાકુર કંપનીના ગોડાઉનમા મેનેજર તરીકે નોકરી કરે છે. ગત 12 ડિસેમ્બરે રાત્રે કંપનીએથી સાંજે છ વાગ્યે નોકરી પુરી કર્યા બાદ અમનસિંઘ સાથેના બીજા માણસો કંપનીના રૂમ ઉપર ગયા હતા અને કંપનીએ ફાળવેલા બંને બાઇક રૂમની બહાર પાર્ક કરી સ્ટિયરીંગ લોક લગાવીને રાત્રે જમીને સુઇ ગયા હતા.
બીજા દિવસે સવારે અમનસિંઘે ઉઠીને જોતાં પાર્ક કરેલા બન્ને બાઈકો ન હતા 50 હજારની કિંમતના 2 બાઇકની કોઈ અજાણ્યા ચોર ઇસમ ચોરી ફરાર થઈ જતાં આ અંગે સાણંદ જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. તાજેતરમાં સાણંદના સનાથલ સર્કલ પાસે આવેલા મહાલક્ષ્મી કોલ્ડ સ્ટોરેજ બહાર પાર્ક કરેલું 80 હજારની કિંમતનું સ્કૂટર ચોરાયું હતું, ત્યારે સાણંદ શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાહન ચોરી કરતાં ઇસમોને ઝડપી કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે.
