ગોતાની ઘટના બાદ સ્કૂલ બસ ડ્રાઇવર, કંડક્ટરને ફાયર સેફ્ટીની ટ્રેનિંગ અપાશે
ગોતા વંસતનગર ટાઉનશિપ પાસે બુધવારે એક સ્કૂલ બસમાં અચાનક આગ લાગી હતી. જોકે જાનહાનિ ટળી હતી. બીજી બાજુ છેલ્લા એક વર્ષમાં બસોમાં આગ લાગવાની 16 ઘટના બની હતી, જેથી આ તમામ ઘટનાને ધ્યાનમાં રાખી ફાયરવિભાગે બસ માટે નવી ગાઇડલાઈન તૈયાર કરી છે.
હવે બસના ડ્રાઈવરો, કંડક્ટર તથા તેમના સ્ટાફને બનાવ સમયે કેવી રીતે ત્વરિત પગલાં લઈ શકાય તથા લોકોના જીવ બચાવી શકાય તે માટેની ટ્રેનિંગ અપાશે. સ્કૂલ બસમાં લાગેલી આગના પગલે ડિવિઝનલ ફાયર ઓફિસર એસ.બી.જાડેજાએ ડીઈઓ રોહિત ચૌધરી સાથે બેઠક કરીને સ્કૂલ બસના ડ્રાઈવર, કંડક્ટર તથા બસમાં હાજર સ્કૂલના સ્ટાફને તાલીમ આપવાનું નક્કી કરાયું છે. જાન્યુઆરીમાં તમામ લોકોને તાલીમ અપાશે.
આ તાલીમ દરમિયાન જ્યારે કોઈ બસમાં આગ લાગે ત્યારે શું કરવું, બાળકોને બસમાંથી બહાર કેવી રીતે કાઢવા, ફાયર રિસ્ક લોડ કેલ્યુલેશન અંગેનું જ્ઞાન તથા બસની ટેકનિકલ માહિતી અને સ્કૂલ બિલ્ડિંગ રચના અંગેની સમજ અપાશે. એટલંુ જ નહીં ફાયરબ્રિગેડ દ્વારા ડ્રાઇવર અને કંડક્ટર તથા સ્ટાફને પ્રેક્ટિકલ તાલીમ પણ અપાશે. બસના ડ્રાઇવરનો જે પણ રૂટ હશે તે રૂટ પર આવતા ફાયર સ્ટેશનના અધિકારીઓનો નંબર પણ આપી સતત તેમના કોન્ટેક્ટમાં રહેવાનું પણ સૂચન કરવામાં આવશે.
