સાયબર ગઠિયાઓએ સિવિલના ડોક્ટર સાથે રૂ.1.24 લાખની છેતરપિંડી આચરી
સિવિલ હોસ્પિટલના લેડી ડોકટરને સાયબર ગઠીયાઓએ તેમના આધારકાર્ડથી સીમકાર્ડ ખરીદીને 17 ગુના આચર્યા હોવાનુ કહીને આધારકાર્ડ પર ખરીદેલા તમામ ફોન બંધ કરી દેવાનુ કહીને મુંબઈ ક્રાઈમ બ્રાંચના નકલી અધિકારી સાથે વાત કરાવીને કુલ રૂ 1.24 લાખ ઓનલાઈન પડાવી લીધા હતા. આ અંગે ડોકટરે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સિવિલ હોસ્પિટલમાં રેસીડેન્ટ ડોકટર તરીકે ફરજ બજાવતા શાહીનાબહેન મુલતાની પર ગત તા 18 મીના રોજ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં ટેલિકોમ્યુનિકેશન વિભાગમાંથી બોલતા હોવાનુ કહીને તેમના આધારકાર્ડ પરથી એક વ્યક્તિએ સીમકાર્ડ ખરીદ્યુ છે જેના પર મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં 17 ગુના નોંધાયા છે તેથી આધારકાર્ડ પર ખરીદેલા તમામ ફોનનંબર બંધ કરી દેવાનુ મુંબઈ ક્રાઈમ બ્રાંચ તરફથી જાણ કરી હોવાનુ કહ્યુ હતુ. ત્યારબાદ ફોન મુંબઈ પોલીસ હેડ કવાટરમાં ટ્રાન્સફર કરવાનુ કહેતા ડોકટરે સહમતી દર્શાવતા તેમને વીડીયો કોલ આવશે તેમ કહ્યુ હતુ.
થોડીવાર પછી ડોકટરના ફોન પર એક વીડીયો કોલ આવ્યો હતો જેમાં સામેની વ્યકિત પોલીસનો યુનિફોર્મ પહેરેલી હતી જેણે પોતાની ઓળખ પ્રવિણ તાંબે તરીકે આપી હતી અને ડોકટરની પર્સનલ વિગતો જાણી તેમને ગુનામાં નિદોર્ષ હોવાનુ કહીને તેમના આધારકાર્ડ પર ખરીદેલા સીમકાર્ડવાળા ઈસમનુ નામ નરેશ ગોયસલ જણાવીને તેની સામે મનીલોન્ડરીંગનો ગુનો દાખલ કર્યો હોવાનુ કહ્યુ હતુ. ત્યારબાદ ગુનાના કામે તેમને તાત્કાલિક પકડવા પડશે અને મુંબઈ આવીને તમારે હાજર થવુ પડશે તેમ કહેતા ડોકટરે મુંબઈ નહી આવી શકાય તેમ કહેતા તેમને ઓનલાઈન પ્રોસેસ કરવાનુ કહીને તેમના બેંક એકાઉન્ટમાં જે રૂપિયા છે તે બ્લેકમાંથી વ્હાઈટ કરવા માટે તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનુ કહ્યુ હતુ. આથી ડોકટર સમંત થતા તેમને આર બી આઈ જેવા લેટરપેડ પર એકયુપીઆઈ નંબર તથા બેંક એકાઉન્ટ નંબર લખેલો ફોટો વોટ્સઅપ કર્યો હતો. અને તેમની પાસે જેટલા રૂપિયા હોય તે ટ્રાન્સફર કરવાનુ કહ્યુ હતુ ડરી ગયેલા ડોકટરે પર અલગ અલગ મળી કુલ રૂ. 1.24 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા.
ડોકટરે તેમના ફિયાન્સને આ અંગે વાત કરતા તેમની સાથે સાયબર ફ્રોડ થયુ હોવાની જાણ થતા આ અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
