સાણંદમાં થર્ટી ફર્સ્ટને લઈ પોલીસનું સઘન વાહન ચેકિંગ

થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે યુવાધન થનગની રહ્યું છે. ઠેર ઠેર પાર્ટીનું આયોજન કરવામાં આવે છે જેમાં દારૂનું સેવન ન થાય તે માટે જિલ્લામાં પોલીસ પણ સતર્ક બની છે. સાણંદ શહેર તેમજ ચાંગોદર વિસ્તારમાં પોલીસ દ્વારા રાત્રે ઠેર ઠેર વાહનોનું ઝીણવટ ભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
નવા વર્ષની ઉજવણીને લઈને હવે દારૂની મહેફિલો અને દારૂની હેરાફેરીને રોકવા માટે સાણંદ પોલીસ દ્વારા રાત્રે શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ચેકિંગ શરૂ કરાયું છે. જેમાં શહેરમાં પ્રવેશદ્વાર બાયપાસ પાસે, કડી બાજુથી આવતા મુનિ આશ્રમ ચાર રસ્તા પર, બાવળા બાયપાસ સહિતના વિસ્તારમાં પોલીસે સઘન ચેકિંગ તેમજ પેટ્રોલીંગ હાથ ધર્યું છે. સાણંદ શહેર પ્રવેશ કરતાં અને બહાર જતાં વાહનો પર પોલીસ ટિમ ચાંપતી નજર રાખી રહી છે. બીજી તરફ અમદાવાદ થી ગ્રામ્ય વિસ્તારમાં જતાં સનાથલ સર્કલ ખાતે ચાંગોદર પોલીસે વાહન રોકી ચેકિંગની કામગીરી હાથ ધરી છે. તો જીઆઈડીસી પોલીસે હાઇવે પર વાહન ચકાસણી હાથ ધરી છે. દારૂનું સેવન કે નસો કરનારા લોકોને પકડવા માટે બ્રેથ એનેલાઇઝર સાથે પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

